લોકતાંત્રિક મૂલ્યો અને નાગરિકોના અભિપ્રાય થકી ‘સ્વર્ણિમ ભારત’ના નિર્માણનો સંકલ્પ; ‘વાત’ અને ‘હકીકત’ વચ્ચેનું અંતર શૂન્ય કરવા નૂતન વિચારોને અપાશે પ્રાધાન્ય
જામનગર :
વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર ભારતમાં, નાગરિકોના અભિપ્રાયનું મહત્ત્વ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે અને આ જ અભિપ્રાયો રાષ્ટ્રના ઘડતરથી માંડીને તેના ભાવિ વિકાસની કેડી કંડારતા હોય છે. ભારતના બંધારણમાં નાગરિકને મળેલા અભિવ્યક્તિના મૂળભૂત અધિકારના હાર્દને સમજીને, ‘ધ ઓપિનિયન’ નામના એક નૂતન ઓનલાઈન પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનું નામકરણ જ લોકતાંત્રિક શાસન વ્યવસ્થાની વિભાવના અને તેના કેન્દ્રમાં રહેલા નાગરિકના અભિપ્રાયને લક્ષમાં રાખીને કરવામાં આવ્યું છે.
આ પ્લેટફોર્મના સંચાલકોએ જણાવ્યું હતું કે, આ એક એવું માધ્યમ બનશે જ્યાં કોઈ પણ પ્રકારના ભેદભાવ કે પક્ષપાત વગર નાગરિકોના અભિપ્રાયોનું સન્માનભેર રોપણ કરવામાં આવશે તથા રાષ્ટ્રહિત અને ‘સર્વજન સુખાય’ની ભાવના સાથે અભિપ્રાયો વ્યક્ત કરાશે, જે રાષ્ટ્રને નૂતનતા, પારદર્શિતા, મજબૂતી, અખંડિતતા અને ભાઈચારા તરફ દોરી જવામાં મદદરૂપ થશે.
‘સ્વર્ણિમ ભારત’ના એકમાત્ર ધ્યેય સાથે નિર્મિત આ ઓનલાઈન પ્લેટફોર્મનું મુખ્ય સૂત્ર ‘નેશન ફર્સ્ટ’ રાખવામાં આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે અહીં માત્ર અને માત્ર દેશહિતની વાતોને જ સર્વોપરિ ગણવામાં આવશે. આ પ્લેટફોર્મ એ મૂળભૂત સવાલ ઉઠાવે છે કે, રાષ્ટ્રહિત માટે આપણે સૌ શું વિચારી રહ્યા છીએ અને શું વિચારવું જરૂરી છે, કારણ કે પ્રત્યેક નાગરિક ઈચ્છે છે કે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે અને દેશનું પ્રત્યેક બાળક ગરિમાપૂર્ણ, સુખી, શાંત, સમૃદ્ધ અને માનવીય સંવેદનાઓથી છલોછલ જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત કરે. જોકે, આ પ્લેટફોર્મ સ્વીકારે છે કે આ વાત તો સૌ કોઈ કરે છે, પરંતુ ‘વાત’ અને ‘હકીકત’ વચ્ચેનું વાસ્તવિક અંતર શૂન્ય કેમ બની શકે, તે મુખ્ય પડકાર છે.
આ હકીકતને ‘સ્વર્ણિમ’ બનાવવા માટે આજે આપણે શું નવું વિચારી શકીએ અને તે નૂતન વિચારોને અમલી કેવી રીતે બનાવી શકાય, તેના પર ગહન મંથન થવું જરૂરી છે. સંચાલકોના મતે, શાસન વ્યવસ્થાઓથી માંડીને રાષ્ટ્રની કાર્યપદ્ધતિ, દેશના વર્ક કલ્ચરથી લઈને પ્રત્યેક નાગરિકના માઈન્ડસેટમાં કયા પરિવર્તનો માત્ર આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે, તે અંગે સૌએ ખુદનો અભિપ્રાય વ્યક્ત કરવો જરૂરી બને છે. આ પ્લેટફોર્મ માને છે કે આવા અભિપ્રાયો અને તે અનુસાર રાષ્ટ્રનિર્માણ માટેની તાલાવેલી જ ભારતના ભાવિ વિકાસને હકીકત બનાવી શકે છે, કારણ કે ભારતનું સ્વર્ણિમ ભવિષ્ય માત્ર કોરી કલ્પના નથી, પરંતુ એક એવું સપનું છે જેનું નિર્માણ સખત પરિશ્રમ અને નૂતન વિચારોના આવિષ્કારથી થઈ શકે છે, અને આ જ મંગલ કાર્યનો આરંભ કરવા ‘ધ ઓપિનિયન’ એક નિમિત્ત બનવા સૌ નાગરિકોને આહ્વાન કરે છે.



